અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ચૂંટણી ફરજ બજાવનારા ઉપરાંત આવશ્યક સેવા સાથે સંલગ્ન અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેના મતાધિકારનો ઉપયોગ થાય અને તે મતદાન કરી શકે તે હેતુથી આજથી ટપાલથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમરેલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૯૪-ધારી, ૯૫-અમરેલી, ૯૬-લાઠી, ૯૭-સાવરકુંડલા, ૯૮- રાજુલા, ૯૯-મહુવા,૧૦૧-ગારિયાધાર વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી ફરજ પરના ૪,૫૮૧ અધિકારીઓ-કર્મચારીઓ માટે ફોર્મ નં.૧૨ ના આધારે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા યોજવામાં આવેલ છે. આજે આ લોકસભા મતવિસ્તારમાં આવતી તમામ વિધાનસભા મતવિસ્તારના સુવિધા કેન્દ્ર ખાતે ટપાલથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. આ મતદાન પ્રક્રિયા આગામી તા.૦૨ મે,૨૦૨૪ સુધી યોજાશે.