અમરેલી નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને નવા દાવેદારો મેદાનમાં ઉતરવાની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે શહેરની અત્યંત ગંભીર અને પ્રાથમિક સમસ્યા તરફ શાસકોનું ઘોર દુર્લક્ષ ફરી એકવાર ખુલ્લું પડ્‌યું છે. લાઠી રોડ ચોકડીથી સંકુલ ચોકડી સુધીના બાયપાસ રોડ પર હજુ પણ ગાઢ અંધારપટ છવાયેલો છે. નગરપાલિકાની આખી ટર્મ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ માર્ગ પર પ્રકાશ પાથરવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે. લાઠી રોડ ચોકડીથી સંકુલ ચોકડી સુધીના બાયપાસ માર્ગ પર હજુ સુધી સ્ટ્રીટ લાઈટોની સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે રાત્રિના સમયે ગાઢ અંધારપટ જોવા મળે છે. આ માર્ગ વ્યસ્ત હાઈવે હોવા છતાં આખી ટર્મ દરમિયાન આ સમસ્યાનું નિરાકરણ ન આવતા નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.રાત્રિના સમયે હજારો વાહનચાલકો જીવના જોખમે અહીંથી પસાર થાય છે. પ્રકાશના અભાવે અકસ્માતો અને અસામાજિક પ્રવૃત્તિઓનો ભય સતત રહે છે. વિકાસના દાવા કરતી નગરપાલિકા માટે આ સ્થિતિ શરમજનક ગણાઈ રહી છે. હવે ચૂંટણી નજીક આવતાં લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે નવા દાવેદારો આ સમસ્યાનો ઉકેલ લાવશે કે નહીં. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો આવનારી ચૂંટણીમાં મતદારો પોતાના મત દ્વારા રોષ વ્યક્ત કરે તેવી શક્યતા છે.