અમરેલી જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે રોજગાર કચેરી દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ની હથિયારી તથા બિન હથિયારી કોન્સ્ટેબલ, લોકરક્ષક અને એસઆરપીએફ કોન્સ્ટેબલ સંવર્ગની ભરતી સંબંધિત માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા હેલ્પલાઇન નં. ૬૩પ૭૩ ૯૦૩૯૦ કાર્યરત કરવામાં આવ્યા છે. સેવા, સુરક્ષા અને શાંતિની ધ્યેયપ્રાપ્તિ માટે સાહસ, શૌર્ય અને સમર્પણની ભાવના સાથે ગુજરાત પોલીસ દળમાં કારકિર્દી ઇચ્છુક યુવાનો પ્રારબ્ધની પ્રાપ્તિ કરી શકે તેવા આશયથી કચેરી ખાતે કચેરી સમય દરમિયાન ભરતી સંબંધિત માહિતી અને માર્ગદર્શન માટે હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવેલ છે.