અમરેલી જિલ્લામાં વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાને આધારે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન નીચે વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓની યાદી બનાવી તેને તાત્કાલિક ઝડપી પાડવા અમરેલી જિલ્લા પોલીસને સૂચના આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાની સૂચનાને આધારે અમરેલી એલસીબી દ્વારા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ૨૫ વર્ષથી નાસતા ફરતા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાના આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં હરજી ઉર્ફે પંકજ ઉર્ફે ભરત ગંગારામ મિસ્ત્રી સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં ફરિયાદી માધાભાઈ મનજીભાઈ દેસાઈ રહે. અમરેલીવાળાએ જણાવ્યું હતું કે આરોપી પંકજને રાતપરપૂરા તાલુકો વઢવાણવાળો ઓળખતો હોય અને પંકજ ફરિયાદી માધાભાઈના ઘરે આવી પોતાની માલિકીની મારુતિ ફ્રન્ટી વાડીનું કામ હોવાથી લઈ ગયેલ હતો. રૂપિયા ૧.૨૦ લાખની મારુતિ કાર આરોપી પંકજ લઈ ગયા બાદ પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગેની માધાભાઈએ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ આરોપી કર્ણાટક રાજ્યના ગુલબરગાવમાં રહેતો હોય અને તેનું વતન મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કટોલ તાલુકાના ગગાલદોહ ગામ મુકામે ત્રણ મહિનાથી કામ કરતો હોવાની અમરેલી એલસીબી પોલીસને માહિતી મળી હતી. માહિતી મળતા જ પોલીસે નાગપુર જિલ્લામાં જઈ આરોપીને તેના ગામેથી ઝડપી પાડ્યો હતો. આમ આરોપી પંકજ છેલ્લા ૨૫ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોવાથી પોલીસે બાતમીદાર અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી પંકજને ઝડપી પાડવામાં સફળતા
મેળવી હતી.