અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શહેરની માતુશ્રી મોંઘીબા મહિલા આટ્ર્સ કાલેજમાં નાણાકીય જાગૃતિ અને કેપિટલ માર્કેટ અવેરનેસ કાર્યક્રમનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇંડિયા (એસ.ઈ.બી.આઈ-સેબી) અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એન.એસ.ઈ) દ્વારા ‘નાણાકીય જાગૃતિ અને કેપિટલ માર્કેટ અવેરનેસ કાર્યક્રમમાં સેબીના સ્માર્ટ ટ્રેનર વૈભવ પુરાણિક અને રાજકોટથી સ્માર્ટ ટ્રેનર ડા. અપર્ણા પુરાણિક સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ અને સ્ટાફ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સત્રમાં કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડા. બી.આર. ચુડાસમાએ કાર્યક્રમની મહત્તા વિશે વિદ્યાર્થિનીઓનું પથદર્શન કર્યું હતું અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને તેવા અનેક પ્રકારના પ્રકલ્પો ચાલુ સત્રમાં આયોજીત થઈ ગયા છે અને ખાત્રી આપી હતી કે હજુ પણ આવા મૂલ્યવર્ધન થાય તેવી અને સર્વગ્રાહી વિકાસની પ્રવૃત્તિઓ આગામી સમયમાં પણ યોજાશે અને વિદ્યાર્થિનીઓને મહત્તમ લાભ મળશે. આ સેમિનારમાં બંને ટ્રેનરે સેબી અંગે માહિતી આપીને વર્તમાન સમયના રોકાણકારો, સિક્યુરિટી માર્કેટ, બેંકિંગ, ફાઈનાન્સ, શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ વગેરે મુદ્દાઓ પર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર સેમિનારનું સંચાલન અને આભાર દર્શન પ્રા. વેલિયત સાહેબે કર્યુ હતું.