અમરેલી મૂકબધિર સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી તાપીબેન મોહનલાલ રૂગનાથ મહેતા બહેરાં-મૂંગા શાળાએ તેની સ્થાપનાના ૨૫ વર્ષની સફળતા નિમિત્તે જાહેર જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સંસ્થા દ્વારા જારી કરાયેલા ‘આભારના ગુલદસ્તા’માં જણાવાયું છે કે ૧૪મી ડિસેમ્બરના રોજ ૨૫ વર્ષ પહેલાં જે વિચારબીજનું વાવેતર થયું હતું, તે આજે શ્રવણમંદ દિવ્યાંગ બાળકોના જીવનમાં શીતળ છાયા ફેલાવતું વિશાળ વટવૃક્ષ બની ગયું છે. સંસ્થાએ તેની આ સફળતાનો સંપૂર્ણ શ્રેય માત્ર અમરેલીવાસીઓને જ નહીં, પરંતુ વિશ્વભરના નાના-મોટા સૌ દાતાઓને સમર્પિત કર્યો છે, જેમના હૃદયમાં અમરેલી વસેલું છે. સંસ્થાની સેવા માત્ર શહેર અને રાજ્ય નહીં, પણ રાષ્ટ્રના સીમાડા તોડીને વિશ્વભરમાં વિસ્તરી છે, જેનો રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો છે. આભાર વ્યક્ત કરતા સંસ્થાના ટ્રસ્ટીઓએ કેટલીક ખાસ સંસ્થાઓ પ્રત્યે
કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, જેમાં PGVCL કંપની, APM કંપની પીપાવાવ, રોટરી ક્લબ આૅફ અમરેલી, ટાવર ચોક વેપારી એસો., વેપારી મહામંડળ, લાયન્સ ક્લબ, સંસ્કાર ગ્રુપ, સમાજ સુરક્ષા પરિવાર, BOB પરિવાર, TMB પરિવાર અને LIC પરિવારનો સમાવેશ થાય છે. સંસ્થાએ જણાવ્યું કે આ તમામ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ‘આભાર’ શબ્દ પણ વામણો લાગે છે.
વધુમાં, શ્રમિકવર્ગથી લઈને સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને બિઝનેસમેન સુધીના નામી-અનામી એવા તમામ સેવાપરાયણ સમાજસેવીઓનો આભાર માનવામાં આવ્યો છે, જેમણે આ સેવાયજ્ઞ કાર્યમાં પવિત્ર આહુતિ આપીને અગ્નિશિખા પ્રજ્વલિત રાખી છે.
છેલ્લામાં, અમરેલી વિસ્તારની વધુ દીકરીઓને રહેવા-અભ્યાસની સગવડ મળી રહે તે હેતુથી દીકરીઓના છાત્રાલયમાં બની રહેલા વધુ ૧૨ રૂમના દાતાઓનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ મૂકબધિર બાળકો પ્રત્યે દાતાઓએ જે હુંફ, પ્રેમ અને આદર વ્યક્ત કર્યો છે તે બદલ સૌનો ફરી ફરી અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.









































