અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે ભુપતભાઈ.ડી. પાથર અને એમ.વી. રાઠોડને કચેરીના પ્રાંગણમાં કચેરી સમય બાદ વયનિવૃત્તિ નિમિત્તે લાગણીસભર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક પ્રિયંકા પરમારે બંને કર્મયોગીઓને શ્રીફળ અને શાલ ઓઢાડીને તેમની દીર્ઘ અને નિષ્ઠાપૂર્વકની સરકારી સેવાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, સરકારી સેવામાં કર્મનિષ્ઠા, સમયપાલન અને જવાબદારીની ભાવનાથી કરાયેલું કાર્ય હંમેશા પ્રેરણારૂપ બની રહે છે. બી.ડી. પાથરે માહિતી વિભાગમાં ૩૫ વર્ષ અને એમ.વી. રાઠોડે ૩૩ વર્ષ સુધી વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી માહિતી વિભાગની કામગીરીને ગતિ અને ગુણવત્તા આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની કાર્યશૈલી, સહકારની ભાવના અને અનુભવથી અનેક સહકર્મીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું. જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ બંને વયનિવૃત્ત કર્મયોગીઓ સાથે જોડાયેલી સંસ્મરણો વહેંચી તેમના કાર્યજીવનને યાદગાર ગણાવ્યું હતું. સૌએ તેમના સ્વસ્થ, સુખમય અને આનંદમય નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.









































