ગુજરાત ડાયમંડ જ્યુબિલી વર્ષ નિમિત્તે, બ્રહ્માકુમારીઝ અમરેલી દ્વારા એક અનોખો કાર્યક્રમ ‘ઘર બને મંદિર’ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમરેલીની ૧૫૦થી વધુ બહેનોએ પોતાના ઘરને મંદિર બનાવવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં તમામ બહેનોને ચંદનનું તિલક અને રિબિન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્ર.કુ. ગીતાદીદી, અમરેલી સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકાએ મહિલાઓને આધ્યાત્મિક રીતે સશક્ત બનવા અને પોતાને ‘મંદિરની દેવી’ બનાવવાની પ્રેરણા આપી હતી. તેમણે દેવીના ત્રણ અર્થ સમજાવ્યાઃ દાતા બનીને સુખ, શાંતિ, ખુશી, દુઆ વગેરે આપવા; સ્વયં દિવ્ય આત્મા બનીને બીજાને પણ દિવ્ય આત્મા તરીકે જોવા અને શિવશક્તિ બનીને પોતે શક્તિશાળી બની બીજાને પણ શક્તિશાળી બનાવવા. આ કાર્યક્રમમાં નગરપાલિકા અમરેલી વોર્ડ નં. ૫ ના સભ્ય કોમલબેન રામાણી, યોગ ટીચર રીટાબેન કાનાબાર અને ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ ડા. મીલીબેને ખાસ હાજરી આપી બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપસ્થિત ૧૫૦થી વધુ મહિલાઓએ “હું મારા ઘરને મંદિર જરૂર બનાવીશ” તેવો શુભ સંકલ્પ કર્યો હતો. મહેમાનોને ભગવાનના ઘરની ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.









































