અમરેલી શહેર પોલીસને લાઠી બાયપાસથી ચિત્તલ તરફ જતાં રસ્તા પર દારૂની હેરફેર અંગે મહત્વની સફળતા મળી છે. તા. ૧૮ જૂન ૨૦૨૬ના રોજ બપોરે ૧૨ઃ૩૦ કલાકે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી હાર્દિકભાઈ ઓધડભાઈ ડવ અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન પેસેન્જર બસ નં. MP-૦૯-ZG-૯૯૯૦માં ખાસ બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રોયલ સ્ટેગ કંપનીની ૧૮૦ એમએલની ૩૭ બોટલ તેમજ કિંગફિશર સ્ટ્રોંગ બીયરના ૫૦૦ એમએલના ૬૬ ટીન કબજે કર્યા હતા. ઉપરાંત બસ અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૭,૨૬,૬૧૨નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ મામલે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના રહેવાસી ગજરાજ કેરમસીંહ ડાવર અને દિલીપભાઈ દુકાલસીંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અલીરાજપુર જિલ્લાના સુરેશભાઈ વસુનીયા નામના આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.