અમરેલી શહેરમાં નાગરિકોને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ, ૧૦૮ ઇમરજન્સી સેવા અને પોલીસ વિભાગના સંકલનથી મુસાફરોથી ભરેલા બસ સ્ટેશન પર તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીની મોકડ્રીલ યોજાઈ હતી. નિવાસી અધિક કલેક્ટરની વિશેષ ઉપસ્થિતિ અને ફાયર અધિકારી એચ.સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ આ મોકડ્રીલ શરૂ કરવામાં આવી હતી. બસ સ્ટેશનની સૂચના પ્રણાલી દ્વારા મુસાફરોને આયોજિત મોકડ્રીલ વિશે માહિતી આપવામાં આવી હતી, જેથી લોકોમાં ગભરાટ ન ફેલાય અને ખોટી અફવાઓથી બચી શકાય. પૂર્વનિર્ધારિત પરિસ્થિતિ અનુસાર, ફાયર બ્રિગેડને બસ સ્ટેશન પર ઇમરજન્સી કોલ મળ્યો હતો. ત્વરિત કાર્યવાહી કરીને ૧૦૮ની ત્રણ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના બે ફાયર ફાઇટર વાહનો અને બચાવ સાધનો સાથે જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ મોકડ્રીલમાં આશરે ૧૨ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા.