અદ્યતન બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા, વાઈફાઈ સહિતની સુવિધાઓ મુસાફરોને મળશે
કલેકટર, વિભાગીય નિયામક સહિતના અધિકારીઓએ બસ સ્ટેશનની મુલાકાત લીધી
અમરેલીમાં છેલ્લા પાંચ વર્ષ કરતા વધારે સમયથી બનેલા બસ સ્ટેશનનું હવે તા.ર૦મીએ લોકાર્પણ કરવામાં આવનાર છે. આ બસ સ્ટેશનમાં મુસાફરોને વાઇફાઇ, સીસીટીવી કેમેરા, ફાસ્ટ ફૂડ અને મોલ સહિતની સુવિધાઓ આપવામાં આવશે. અમરેલીમાં બસ સ્ટેશનના નવા બિલ્ડિંગનું કામ છેલ્લા પાંચ વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહ્યું હોવાથી મુસાફરો હંગામી બસ સ્ટેશનમાં ગંદકીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા ત્યારે હવે મુસાફરોની હાલાકીનો અંત આવશે. આગામી તા.ર૦ના રોજ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી આવનાર હોવાથી મુખ્યમંત્રીના હસ્તે એેસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ થનાર છે. નવા અદ્યતન બસ સ્ટેશનમાં મુસાફરોની સુવિધાનો વિચાર કરીને બસ સ્ટેશનમાં ૯૬ સીસીટીવી કેમેરા, વાઈફાઈ, સાફ-સફાઈ અને સિક્યુરિટીનો કોન્ટ્રાકટ પણ અપાઈ ગયો છે. ર૦મી સપ્ટે.એ બસ સ્ટેશનનું લોકાર્પણ થનાર હોય ત્યારે કલેકટર, વિભાગીય નિયામક સહિતના અધિકારીઓએ બસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને તમામ વસ્તુઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યુ હતું. એરપોર્ટ જેવી અદ્યતન સુવિધા ધરાવતા આ બસ સ્ટેશનમાં મુસાફરોની તમામ જરૂરીયાતોનું ધ્યાન રાખવામાં આવ્યુ છે.
બસ સ્ટેશનમાં શું સુવિધા મળશે? રઝર્વેશન ઓફિસ, પૂછપરછ વિભાગ, શૌચાલય, ડીસ્પેન્સરી, કલોકરૂમ, પાર્સલ રૂમ, મુસાફરો માટે વેઈટીંગ ચેર, ફિલ્ટર સાથે પાણીનું પરબ સહિતની સુવિધાઓ મુસાફરોને મળશે તેમજ જેન્ટસ ડોરમેટરી, લેડીઝ ડોરમેટરી, રેકર્ડ રૂમ, ડ્રાઈવર-કંડકટરો માટે આરામ રૂમ, કેશ રૂમ અને વહીવટી શાખા પણ અદ્યતન બસ સ્ટેશનમાં કાર્યરત થશે