અમરેલીના લાલાવદર ગામે ગઈકાલે અલ્પેશભાઈ પાનસુરીયાની વાડીના કૂવામાંથી ત્રણ પરપ્રાંતિય શ્રમિકોના મૃતદેહો મળતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેયના મૃતદેહો લાંબા સમયથી કૂવામાં પડી રહ્યાં હોવાથી પોલીસે આ આત્મહત્યા છે કે હત્યા તે જાણવા માટે ત્રણેયના મૃતદેહોને ભાવનગર ફોરેન્સીક પોસ્ટમાર્ટમ કરવા માટે મોકલી આપ્યા હતા. અમરેલીના લાલાવદર ગામની સીમમાં ગઈકાલે કૂવામાં ત્રણ લાશ પડી હોવાથી તાત્કાલિક ફાયર સ્ટાફ અને પોલીસને જાણ કરવામાં આવતા ત્રણ લાશને કૂવામાંથી બહાર કાઢતા આ લાશ મુકેશ અતુભાઈ દેવરખીયા(ઉ.વ.૧૯), ભુરી મુકેશ દેવરખીયા (ઉ.વ.૧૮) અને જાનુ અંતુભાઈ દેવરખીયા(ઉ.વ.૮) હોવાનુ ખુલ્યુ હતુ. આ લાશને ભાવનગર ફોરેન્સીક પોસ્ટમાર્ટમ માટે મોકલી આપવામાં આવતા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જાનુને કપાળના ભાગમાં ઈજાના નિશાન અને મુકેશ અને ભુરીને ગળાના ભાગમાં ઈજાના નિશાન હોવાનુ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યુ હતુ. જેથી પોલીસ આ ત્રણેયની હત્યા થઈ હોવાનો ગૂનો નોંધી તપાસ શરૂ કરશે. આમ, ત્રણ લોકોની હત્યા થઈ હોવાના સમાચાર મળતા ચકચાર મચી જવા પામી છે.