અમરેલી પોલીસે એક વિશેષ અભિયાન ચલાવીને દસ દિવસના ટૂંકા ગાળામાં ગુમ કે અપહરણ થયેલા કુલ ૧૩ વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવારજનો સાથે સુખદ મિલન કરાવ્યું હતું. આ કામગીરીને પગલે પોલીસે સમગ્ર જિલ્લામાં પ્રશંસા મેળવી હતી. ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારની સૂચનાને પગલે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને તા. ૨૦/૦૮/૨૦૨૫ થી તા. ૩૧/૦૮/૨૦૨૫ સુધી એક ખાસ “સ્પેશિયલ ડ્રાઈવ”નું આયોજન કરવાની સૂચના આપી હતી. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ ગુમ થયેલ વ્યક્તિઓને તાત્કાલિક શોધી કાઢવાનો હતો. આ ડ્રાઈવ દરમિયાન, અમરેલી જિલ્લા પોલીસે ટેકનિકલ સોર્સ (જેમ કે મોબાઈલ લોકેશન ટ્રેકિંગ, સીસીટીવી ફૂટેજ વગેરે) અને હ્યુમન સોર્સ (બાતમીદારો, સ્થાનિક લોકોની મદદ)નો ઉપયોગ કરીને સફળતા મેળવી હતી. આ પ્રયાસોના પરિણામે, કુલ ૧૧ ગુમ થયેલા વ્યક્તિઓ અને ૨ અપહરણ થયેલી બાળકીઓને શોધી કાઢવામાં આવી હતી. જે ૧૩ વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા તેમાં ૦ થી ૧૮ વર્ષના ૨ લોકો, ૧૮ થી ૨૦ વર્ષના ૬ વ્યક્તિ, ૨૦ થી ૩૦ વર્ષના ૨ વ્યક્તિ અને ૩૦ થી ૪૦ વર્ષના ૩ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ગુમ થયેલા વ્યક્તિઓમાં કેટલાક તો મહિનાઓથી ગુમ હતા, જ્યારે અન્ય કેટલાક એક મહિના કરતાં ઓછા સમયથી ગુમ હતા. પોલીસે આ વ્યક્તિઓને શોધી કાઢી પરિવારજનોને સોંપતા, તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી.







































