અમરેલી જિલ્લામાં વિવિધ ૧૨ સ્થળોએથી જપ્ત કરાયેલા ૨૯૮ કિલો ગાંજાનો આજે સત્તાવાળાઓ દ્વારા કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં આ નિકાલ કરવામાં આવ્યો હતો. ડીવાયએસપી એ.જી. ગોહિલ, એલસીબી પીઆઈ વી.એમ. કોલાદરા અને એસઓજી પીઆઈ આર.ડી. ચૌધરી સહિતના અધિકારીઓએ આ કાર્યવાહી કરી હતી. નોંધનીય છે કે દામનગર, બગસરા, લાઠી, ધારી, સાવરકુંડલા અને બાબરા તાલુકાના ૧૨ જુદા જુદા સ્થળોએથી ગાંજો, ગાંજાના છોડ, અફીણ અને અફીણના છોડવા સહિત કુલ ૨૯૮ કિલો અને ૯૫૫ ગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રૂપિયા ૪૬.૨૨ લાખનો આ મુદ્દામાલ ભરૂચ ખાતેની એક કંપનીમાં લઈ જઈને તેનો યોગ્ય રીતે નાશ કરવામાં આવ્યો હતો.







































