અમરેલી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લુખ્ખા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસની આ સક્રિયતાના ભાગરૂપે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને રાજુલા પોલીસની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા બે શખ્સોની ઓળખ કરી હતી. રાજુલા પી.આઈ. વી.એમ. કોલાદરા દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓમાં લિપ્ત ઇસમો વિરુધ્ધ પાસા (ASA) હેઠળની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત જિલ્લા પોલીસ વડા મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજને મોકલવામાં આવતા તેમણે કાયદાકીય પાસાઓની ચકાસણી કરીને તાત્કાલિક અસરથી મંજૂરી આપી હતી. ત્યારબાદ એલ.સી.બી. પી.આઈ. સી.પી. વાઘેલાની ટીમે આ વોરંટની બજવણી કરી રાજુલાના ઘેલા કાનાભાઈ ખાંભલા અને સિહોરના વિજય ઉર્ફે કાદર મકવાણાની અટકાયત કરી હતી. કાયદાકીય જોગવાઈઓ મુજબ ઘેલા ખાંભલાને વડોદરા મધ્યસ્થ જેલ અને વિજય મકવાણાને મહેસાણા જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસની આ ત્વરિત અને આકરી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે.