ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે યોજાયેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત, અમરેલી જિલ્લા પોલી દ્વારા જૂન-૨૦૨૬ દરમિયાન એક ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન પોલીસની વિવિધ ટીમોએ સઘન એક્શન પ્લાન દ્વારા પેરોલ જમ્પ કરનાર, ક્રિમિનલ ટાર્ગેટેડ કેસો અને સજા વોરંટના કુલ ૩૯ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરનાર ૧ કેદી, સાત વર્ષથી ફરાર ૪ ટાર્ગેટેડ આરોપીઓ અને વર્ષોથી નાસતા-ફરતા સજા વોરંટના ૧૧ આરોપીઓનો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી દરમિયાન ધારી કોર્ટના કેસમાં સાત વર્ષથી ફરાર અમિત અને કાર્તિક માધવાણી, આર્મ્સ એક્ટનો આરોપી સુરેશ ગર્ગ, તેમજ પોક્સો અને અપહરણના ગંભીર ગુનાઓમાં સાત વર્ષથી નાસતા-ફરતા મહેન્દ્ર પરમાર અને હરસીંગ મહિડા જેવા મુખ્ય ઇસમોને અલગ-અલગ વિસ્તારોમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.






































