અમરેલી જિલ્લા પેરોલ-ફર્લો સ્કવોર્ડે એક પ્રશંસનીય કામગીરી કરતા છેલ્લા છ મહિનાથી પોલીસને થાપ આપી ફરાર રહેલા આજીવન કેદના કેદીને સુરત શહેરમાંથી દબોચી લીધો છે. મૂળ લીલીયાના પુંજાપાદર ગામનો ૩૦ વર્ષીય કલ્પેશ ઉર્ફે ધવલ ઉર્ફે આર્યન ઉર્ફે લાલો કનુભાઈ ગલસાણીયા બળાત્કાર અને પોક્સો જેવા ગંભીર ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો હતો. વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ તે નિયત સમયે જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. પોલીસની વિવિધ ટુકડીઓ તેની શોધમાં હતી ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તેના સુરતમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે અમરેલી સ્કવોર્ડે સુરતમાં દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો અને તમામ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.








































