અમરેલી શહેરમાં નગરપાલિકા સામે વાલ્મીકિ સમાજ દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે. આજે વાલ્મીકિ સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયાની આગેવાનીમાં અમરેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર વિશાળ રેલી કાઢી નગરપાલિકા હાય હાયના નારા લગાવી સૂત્રોચ્ચાર સાથે નગરપાલિકામાં ટોળું પહોંચતા સીટી પોલીસ દોડી આવી હતી. નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરી ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. મહિલાઓ, પુરુષોએ હોબાળો મચાવતા પાલિકા ગાજી ઉઠી હતી. ૧૫ દિવસમાં વિવિધ પડતર માંગ નગરપાલિકા નહિ સ્વીકારે તો અમરેલી શહેર સહિત જિલ્લામાં તમામ તાલુકા મથક ઉપર સફાઈ બંધ કરી આંદોલન કરવાની માટેની ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત વાલ્મીકિ સમાજ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ બારૈયાએ કહ્યું અમરેલી નગરપાલિકામાં રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વર્ષોથી સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવે છે. આવી અનેક માંગ સાથે અમે ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો ૧૫ દિવસમાં માંગ નહિ સ્વીકારવામાં આવે તો અમે અહીં ધરણા પ્રદર્શન કરીશું. તેમજ સમગ્ર અમરેલી જિલ્લાની સફાઈ બંધ કરવાની ચીમકી આપવામાં આવી હતી.