અમરેલી નગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે રાજકીય માહોલ તેજ બન્યો છે જેમાં ખાસ કરીને વોર્ડ નંબર ૧૦ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રમાતી આ બેઠક પર હવે આમ આદમી પાર્ટીએ મજબૂત પકડ ધરાવતા હેતલબેન પ્રતિકભાઈ સાવલિયાને મેદાનમાં ઉતારીને ચૂંટણી જંગને રસપ્રદ બનાવ્યો છે. હેતલબેન જાણીતા પત્રકાર અને સામાજિક કાર્યકર પ્રતિકભાઈ સાવલિયાના પત્ની હોવાથી તેમને વારસામાં સેવાકીય પૃષ્ઠભૂમિ મળી છે જેનો સીધો લાભ ચૂંટણીમાં મળી રહ્યો હોય તેવું જણાય છે. તેમણે પ્રચાર દરમિયાન સત્તા કરતા જનસેવાને પ્રાધાન્ય આપવાની વાત દોહરાવી છે. હેતલબેન મુખ્યત્વે શુધ્ધ પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, પાકા સીસી રોડ અને નિયમિત સફાઈ જેવા પાયાના મુદ્દાઓ સાથે મતદારોનો સંપર્ક કરી રહ્યા છે. લોકો સાથેનો તેમનો સીધો સંવાદ અને પ્રશ્નો ઉકેલવાની તત્પરતાને કારણે વોર્ડમાં તેમની છબી એક સક્રિય ઉમેદવાર તરીકે ઉભરી રહી છે.










































