અમરેલી જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા હવે જાણે કાયમી બની ગઈ હોય તેવુ લાગી રહ્યુ છે. જેમાં ખાસ કરીને આખલાઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થયો હોવાથી લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. અમરેલી શહેરની વાત કરીએ તો શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોએ માઝા મૂકી છે. રસ્તા વચ્ચે અડીંગો જમાવતા ઢોર રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લઈ રહ્યાં છે. આખલાયુધ્ધ ગમે ત્યારે શરૂ થતું હોવાથી શહેરીજનોમાં ભયનું લખલખુ પ્રસરી જાય છે. અમરેલી શહેરમાં છેલ્લાં ઘણા મહિનાઓથી આખલાઓ વધી રહ્યાં છે. પાલિકાના શાસકોને માત્રને માત્ર ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં જ રસ હોય તેવુ લાગી રહ્યુ છે. આ અંગે લોકોએ જણાવ્યુ હતું કે, રખડતા ઢોર અને આખલાઓના ત્રાસની પાલિકાને પણ જાણ છે. શહેરીજનો આખલાઓનો ભય અનુભવી રહ્યાં છે પરંતુ શાસકોને લોકોની કંઈ જ ફિકર ન હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આખલાઓની લડાઈમાં વાહનોને પણ નુકસાન થઈ રહ્યુ છે. આખલાઓની લડાઈ ચાલુ હોય ત્યારે બાજુમાંથી નિકળવુ પણ જાખમી થઈ જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે તો રસ્તા વચ્ચે બેઠેલા ઢોર કયારેક દેખાતા ન હોવાથી અકસ્માત થવાની પણ સંભાવના રહેલી છે. અમરેલીના લોકો આટલી મુશ્કેલી અનુભવતા હોવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હલતુ નથી. રખડતા ઢોર માટે પાલિકા કોઈ જ કાર્યવાહી કરતી નથી. દામનગરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. અમરેલી સહિત જિલ્લામાં રખડતા ઢોર અને આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવાને બદલે શાસકોને ફોટોસેશનમાં વધારે રસ હોય તેમ લોકો આક્રોશ સાથે જણાવી રહ્યાં છે.