અમરેલી નગરપાલિકાના કર્મચારી પંકજ જાષી સામે ખોટો દસ્તાવેજ બનાવી ચીફ ઓફિસરની જાણ બહાર બેંક ગેરેન્ટીની રકમ રીલીઝ કરાવ્યાના આરોપ સાથે અમરેલી સીટી પોલીસમાં વર્તમાન ઇન્ચા. ચીફ ઓફિસર દ્વારા એફઆઇઆર નોંધાવવામાં આવતા પાલિકા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર વિગત એવી છે કે, પંકજ જાષી જે-તે વખતે ઇન્ચા. એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં વોર્ડ સફાઇ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. ‘સ્ટ્રોમ વોટર ડ્રેનેજ એટ ડીફરન્ટ લોકેશન ઓફ અમરેલી ટાઉન, અન્ડર અટલ મીશન ફોર રીજુવેનેશન એન્ડ અર્બન ટ્રાસફોર્મેશન
(અમૃત)’ પ્રોજેક્ટની કામગીરી અંગે સ્ટેટ લેવલ ટેકનીકલ કમિટીના ઠરાવ નં. ૮થી અમદાવાદની એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ટેન્ડર મંજૂર થયેલ હતું અને આ કંપનીએ ઠરાવ નં. ૮ પ્રમાણે રૂ. સત્યાશી લાખ ચાલીસ હજાર એકસો ઓગણીસની રકમ સિક્યુરીટી ડીપોઝીટ તરીકે પાંચ વર્ષ માટેની ગેરેન્ટી અમરેલી મ્યુન્સીપાલીટીમાં આપવાની નક્કી થયેલ હતી. આ રકમ કંપની દ્વારા યસ બેંક-અમદાવાદ શાખામાં તા. ૧૦-સપ્ટે.-૧૮ના રોજ જમા કરાવવામાં આવી હતી. જે દર વર્ષે રિન્યુ કરાવવાની રહેતી હતી. કંપનીએ આ રકમ વર્ષ ર૦ર૩ સુધી બેંક ગેરેન્ટી તરીકે બેંકમાં રાખવાની હતી. વર્ષ ર૦ર૧ની બેંક ગેરેન્ટીની મુદ્દત ૩૧-ઓગષ્ટ-ર૧ના રોજ પૂર્ણ થતી હતી. જેથી બેંક ગેરેન્ટી રિન્યુ કરવા કંપનીને ચીફ ઓફિસર દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો અને તેની નકલ યસ બેંકના મેનેજરને મોકલવામાં આવી હતી.
આ પત્રને પગલે સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં તા. ૬-ફેબ્રુ.-ર૦ર૧ના રોજ બેંક ગેરેન્ટી ક્લોઝ થયેલ હોવાનું ખુલ્યું હતું. બેંક મેનેજર દ્વારા ઇન્ચા. એકાઉન્ટન્ટ પંકજ જાષીની સહીવાળા યસ બેંક -અમદાવાદને બેંક ગેરેન્ટી રીલીઝ અને ક્લોઝ કરવા લખેલ પત્રની નકલ અમરેલી પાલિકાને મોકલવામાં આવી હતી. આ પત્ર પંકજ જાષીના હોદ્દા અને સહીથી કરવામાં આવ્યો હતો. પરંતુ બેંક ગેરેન્ટીને ક્લોઝ કરવા અંગે બેંક સાથે પત્ર વ્યવહાર કરવાની સત્તા ચીફ ઓફિસર પાસે હોય છે. તેમ છતાં પંકજ જાષીએ પોતાની સહીથી અને પાલિકા કચેરીનો ખોટો જાવક નંબરવાળો પત્ર લખી સરકાર સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ફરિયાદને પગલે પાલિકાના કર્મચારી વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ફરિયાદમાં આરોપી તરીકે યસ બેંકના કર્મચારીનો પણ સમાવેશ કરાયો છે. પોલીસે ફરિયાદના પગલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં હજુ કેટલાક નામો ખુલે તેવી શકયતાઓ રહેલી છે.