ભાજપ શાસિત અમરેલી નગરપાલિકામાં લાંબા સામયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેર થયો છે. અમરેલી નગરપાલિકાના પ્રમુખે એજન્ડા બોલાવ્યા બાદ અચાનક બેઠક મુલત્વી રાખતાં હોબાળો મચી ગયો હતો. ભાજપના સભ્યો વચ્ચે લાંબા સમયથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી, જેનો આજે ભડકો થયો હતો. ભાજપના જ સભ્યોએ આજે પાલિકા પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરતાં ભાજપના કુલ ૩૪ સભ્યોમાંથી ૧૮ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત ચીફ ઓફિસરને આપતાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું. અમરેલી નગરપાલિકામાંથી મળતી માહિતી મુજબ ગત તા.૧૭ ઓક્ટોબરના રોજ અમરેલી નગરપાલિકાના પ્રમુખે સામાન્ય સભા માટે એજન્ડા બજવ્યો હતો. પરંતુ અચાનક જ બેઠકના ૨૦ કલાક અગાઉ ગેરબંધારણીય રીતે બેઠક મુલત્વી રાખી હતી. જેના લીધે ભાજપના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી હતી. અમરેલી નગરપાલિકામાં મનસ્વી રીતે વહીવટ ચાલી રહ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. સામાન્ય સભાની બેઠક અચાનક મુલત્વી રાખી એકતરફી અને મનસ્વી રીતે નિર્ણય લીધો હોવાનો સદસ્ય કાળુભાઈ પાનસુરીયાએ આક્ષેપ કર્યો હતો. અમરેલી પાલિકા પ્રમુખ દ્વારા સંદર્ભ પત્ર લઇને તમામ સભ્યોને રૂબરૂ બજવણી કરવા માટે નીકળ્યા હતા. બેઠક મુલત્વી રાખવાનો તેમનો આ નિર્ણય તદ્દન ભૂલ ભરેલો અને ગેરબંધારણીય ગણાવ્યો હતો.

 

આવશ્યક સેવાઓ સિવાયના ખર્ચ અટકાવી દેવા રજૂઆત
અમરેલી નગરપાલિકામાં બેફામ ખર્ચ થતા હોવાનો પણ સદસ્યોએ બળાપો કાઢયો હતો. પાલિકામાં બેફામ ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ ભાજપના એક નેતાએ આક્ષેપ કર્યો હતો. પાલિકામાં આવશ્યક સેવાઓ સિવાય તમામ પ્રકારના ખર્ચ અટકાવી દેવા માટે અવિશ્વાસની દરખાસ્ત કરનારાઓએ માંગ કરી હતી.

સદસ્ય કાળુ પાનસુરીયાની આગેવાનીમાં કરાઈ રજૂઆત
અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ સદસ્ય કાળુભાઈ પાનસુરીયાની આગેવાનીમાં ૧૮ સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત ચીફ ઓફિસરને રજૂ કરી હતી. અમરેલી પાલિકામાં મનસ્વી રીતે વહીવટ ચાલતો હોવાનો સદસ્યોએ આક્ષેપ કર્યો હતો. ૧૮ સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત આપતા રાજકિય ખળભળાટ મચી ગયો છે

પાલિકાની ૪૪ બેઠક માટે ૩૪ સભ્યો ભાજપના
અમરેલી નગરપાલિકાની બેઠક પર નજર નાખીએ તો કુલ ૧૧ વોર્ડના ૪૪ સભ્યો ચૂંટાયા છે જેમાંથી ૩૪ ભાજપના અને ૮ કોંગ્રેસના સભ્યો ચૂંટાયા છે. ૩૪માંથી એક ભાજપ સદસ્યએ રાજીનામુ આપી દીધુ છે જયારે એક સદસ્ય વિદેશ જતા રહ્યાં છે. જેથી હાલ ભાજપ પાસે ૩ર સદસ્યનું સંખ્યાબળ છે. જેમાંથી ૧૮ સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ચૂંટાયેલા સદસ્યોનું કોઈ સાંભળતું નથી :  જયંતિ રાણવા
અમરેલી નગરપાલિકામાં ભાજપના ૩ર સદસ્યોમાંથી ૧૮ સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા અંગે પાલિકાના પૂર્વ પ્રમુખ જયંતિ રાણવાએ જણાવ્યું હતું કે, સદસ્યોની કે પાલિકા ઉપપ્રમુખની કોઈ વેલ્યુ નથી. હોદ્દેદારો માત્ર નામના રહી ગયા છે. વિવિધ સમિતિઓનાં ચેરમેનનું પણ પાલિકાનાં અધિકારીઓ કે કર્મચારીઓ કામ કરતા નથી. લોકોએ જનપ્રતિનિધી તરીકે અમોને પાલિકામાં મોકલ્યા છે ત્યારે અમારા કામ પણ થતાં નથી. આ બાબતે અધિકારી કે કર્મચારી એમ કહે છે કે પાલિકા પ્રમુખ સૂચના આપે તો કામ થશે. ગત તા.રપ/૧૦નાં રોજ નિયમનું ઉલ્લંઘન કરી બોર્ડની બેઠક બંધ રાખવામાં આવી હતી. પાલિકામાં પ્રમુખ અને ચીફ ઓફિસરની મીલિભગત હોય તેવું લાગી રહ્યું છે. સદસ્યોની રજૂઆતોને પણ ધ્યાનમાં લેવામાં આવતી નથી જેથી સહનશકિતની ચરમસીમાએ સદસ્યો પહોંચી ગયા હોવાથી પાર્ટી તાત્કાલિક પ્રમુખનું રાજીનામુ લઈ અવિશ્વાસની દરખાસ્તો રજૂ કરનારા ૧૮ સદસ્યોમાંથી ગમે તેને પ્રમુખપદ સોંપે તે જરૂરી છે. પાલિકા પ્રમુખ પોતાના મળતીયાઓને કામ આપી કમિશન હોવાન આક્ષેપ કર્યો છે. આ અંગે કલેકટરને પણ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે ત્યારે કલેકટરે આ અંગે પ્રાદેશિક કમિશ્નરને મળવાનું કહ્યું છે. કાયદાકીય રીતે હવે ૧પ દિવસમાં પાલિકાનું બોર્ડ બોલાવવું જાઈએ. આમ પાલિકામાં થતાં બેફામ ભ્રષ્ટાચાર અને સદસ્યોનાં કામ થતાં ન હોવાથી સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.