ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આ જ સંદર્ભમાં અમરેલી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ બેઠક મોડી રાત્રે અમરેલી શહેર ખાતે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલયમાં યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના ઊર્જામંત્રી કૌશિક વેકરિયા અને પક્ષના પ્રભારી અભયસિંહ ચૌહાણ સહિતના ટોચના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં સંગઠનને મજબૂત કરવા માટે અમરેલી શહેરના તમામ હોદ્દેદારો, મંડળ તેમજ જિલ્લા સ્તરના હોદ્દેદારો અને વિવિધ મોરચાના આગેવાનો હાજર રહ્યા હતા.








































