અમરેલી પંથકમાં પ્રથમ વખત કડકડતી ટાઢ પડવાની શરૂઆત થઈ છે. અમરેલી પંથકમાં દર શિયાળામાં આસપાસના અન્ય વિસ્તાર કરતા પ્રમાણમાં વધુ ઠંડી પડે છે. શિયાળાના આરંભે અમરેલી પંથકમાં આકરી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. જો કે દિવાળી બાદ એક પખવાડિયા કરતા વધુ સમય બાદ ઠંડીની શરૂઆત થઈ છે, પરંતુ શરૂઆતમાં જ પારો સડસડાટ નીચે ઉતર્યો છે. આજે અમરેલી શહેરનું ન્યુનત્તમ તાપમાન ૧૪.૬ ડિગ્રી રહ્યું હતું. જેના કારણે વહેલી સવારે શહેરના લોકો ઠંડીમાં થરથર કાંપ્યા હતા. ગઈકાલે પણ અમરેલી શહેરમાં ન્યૂનત્તમ તાપમાન ૧૩.૪ ડિગ્રી નોંધાયું હતું. ચાલુ સપ્તાહે ત્રણ-ચાર દિવસથી આકરી ટાઢ પડી રહી છે. જો કે બપોરના સમયે વાતાવરણ ગરમ રહે છે.કારણ કે હજુ પણ મહત્તમ તાપમાનનો પારો ૩૦ ડિગ્રી કરતાં ઊંચો છે. આજે અમરેલી શહેરનું મહત્તમ તાપમાન ૩૧.૭ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા જેટલું ઊંચું રહ્યું હતું. જેના કારણે પણ ઠંડીની તીવ્રતા વધુ અનુભવાતી હતી. આજે પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ ૪ કિ.મી.ની રહી હતી. આવનારા દિવસોમાં ઠંડીનું જોર વધશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.