ભણતર સાથે રમત ગમત દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય તેવા હેતુથી અમરેલી નગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ‘એકલવ્ય રમતોત્સવ ૨.૦’નો નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને શુભારંભ થયો હતો. અમરેલી શહેરમા વિદ્યાસભા ડી.એલ.એસ.એસ.ના પ્રાંગણમાં મશાલ પ્રજ્વલ્લિત કરી રમતોત્સવની શરુઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ વિદ્યાર્થી જીવનમાં રમત ગમતનું શું મહત્વ છે તે બાબતે વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ. કાર્યક્રમના અધ્યક્ષ ઈફકોના ચેરમેન દિલિપ સંઘાણીએ પ્રવચન દરમ્યાન કહ્યું હતું કે, રાજ્યભરના ખેલાડીઓ રમત ગમતમાં આગળ વધે તેવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.આ કાર્યક્રમના આયોજન બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને શુભકામનાઓ પાઠવી અને પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત પણ કરી હતી. કાર્યક્રમ અન્વયે પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી તેમજ અમર ડેરી વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, નગરપાલિકાના પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા, જિલ્લા શિક્ષણાધિકારી ગોહિલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી આશિષભાઈ જોશી, નગરપાલિકાના સદસ્યો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યો, કેમ્પસના ડિરેક્ટર, રમતોત્સવના દાતાઓ, વિવિધ શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.