અમરેલી નગરપાલિકા દ્વારા પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો હોય તેમ સિવિલ હોસ્પિટલ, સાંસદ કાર્યાલયવાળો માર્ગ ટૂંકા સમયગાળામાં ત્રીજી વખત બનાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ અન્ય વિસ્તારોમાં લોકોને નવા માર્ગ માટે વર્ષોના વર્ષ રાહ જાવી પડે છે, અવારનવાર રજૂઆતો કરવી પડે છે તેમ છતાં ખોદકામ કર્યા બાદ મહિનાઓ પછી નવો માર્ગ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવતી હોય છે.
કલેક્ટર કચેરીથી સિવિલ હોસ્પિટલ તરફ જતો માર્ગ થોડા જ સમયમાં લગભગ ત્રીજી વખત બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે અગાઉ બે વખત જે એજન્સી દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો હતો તે આટલા ટૂંકા સમયમાં બિસ્માર બની જતા તેમાં વાપરવામાં આવેલ મટિરીયલ્સની ગુણવત્તા સામે સવાલ ઉપજે છે. પરંતુ પાલિકા દ્વારા આ એજન્સી સામે કોઇ એક્શન ન લઇ ત્રીજી વખત રોડ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. લોકોના પૈસાનો આ રીતે વેડફાટ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવી એજન્સી સામે કડક પગલા લઇ તેને બ્લેકલિસ્ટ કરવા માંગ ઉઠી રહી છે.