અમરેલી શહેરમાં નગરપાલિકા દ્વારા ભયજનક-જર્જરિત મકાનો મુદ્દે તાકીદની કાયદેસરની ચેતવણી આપવામાં આવી છે. જે મુજબ નગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી, ખાનગી, સ્લમ તથા અન્ય તમામ ક્વાર્ટર તથા મકાન- ઈમારતમાં રહેતા કે ઉપયોગ કરતા કે હિત ધરાવતા તમામ વ્યક્તિઓ/સમૂહને જણાવવામાં આવ્યું છે કે, તેમણે પોતાના મકાનનો ભયજનક-જર્જરિત ભાગ તાકીદે ઉતારી લઇ બાકીના ભાગને સુરક્ષિત કરવાની કાર્યવાહી કાયદાને આધિન કરવાની રહે છે. અન્યથા મકાન કે તેનો ભયજનક/ જર્જરિત ભાગ પડી જવાથી તે મિલકત કે આસપાસની મિલ્કતને કે જાનમાલને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તે મકાન-ઈમારતનાં માલિક, કબજેદારો, હિત ધરાવતા તમામ વ્યક્તિઓની રહેશે. આવા ભયજનક-જર્જરિત મકાનમાં કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવો નહિ અને વસવાટ કે અન્ય કોઈ ઉપયોગ કરવો નહિ. તેમજ આવા ભયજનક જણાતાં મકાનની આસપાસ અવર-જવર કરવી નહીં તથા આજુબાજુના મકાન ઉપયોગકર્તાઓએ સાવચેતીના ભાગરૂપે પુરતી કાળજી રાખવી. અમરેલી નગરપાલિકાએ આ મુદ્દે કાયદેસરની અગાઉ નોટીસો આપેલ છે. આમ, છતાં આ બાબતે જવાબદાર વ્યક્તિ દ્વારા ભયજનક મકાન કે તેનો જર્જરિત ભાગ ઉતારવા કોઈ કાર્યવાહી કરેલ નથી, કરાવતા નથી, જેથી સંબંધિત હિત ધરાવનાર તમામ કબ્જેદારોને અપાયેલી નોટિસ અન્વયેની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવા તાકીદ કરવામાં આવે છે.