અમરેલી નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક નાબૂદી માટે એક નવતર ‘માય થેલી’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દર ગુરુવાર અને શુક્રવારે યોજવામાં આવી રહ્યો છે. આ પહેલમાં, શહેરીજનો પાસેથી જૂના કપડાં લઈ તે જ કપડાંમાંથી સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા સ્થળ પર જ કાપડની થેલીઓ બનાવી આપવામાં આવશે. આ કાર્યક્રમ દર ગુરુવાર અને શુક્રવારે સવારે ૧૦ થી ૨ અને બપોરે ૩ થી ૬ કલાક સુધી શહેરના જેશીંગપરા શિવાજી ચોક પાસે આવેલ સિવિક સેન્ટર ખાતે યોજાશે. સરકાર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે, પરંતુ લોકોની સ્વયં જાગૃતિના અભાવે જાહેર રોડ ઉપર પ્લાસ્ટિક છવાયેલું જોવા મળે છે. પશુ-પર્યાવરણ માટે અતિ નુકસાનકારક અને જીવલેણ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર ખાસ કરીને બહેનોએ જાગૃતતા દાખવવી જરૂરી બનેલ છે. સ્વચ્છતા અભિયાનમાં પણ પ્લાસ્ટિક ખૂબ જ બાધારૂપ બની રહ્યું છે. ચીફ ઓફિસર વિનોદ ચૌહાણ દ્વારા શહેરીજનોને આ ‘માય થેલી’ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભ લેવા જાહેર અપીલ કરવામાં આવી છે.








































