ક્લાર્ક પર અધિકારીઓના હાથ હોવાથી કોઈ કાર્યવાહી થતી નથી, અરજદારોની રજૂઆત ધ્યાને લઈ ક્લાર્કની બદલી કરવા ઉગ્ર માંગ

જયારે કોઈનો જન્મ કે મૃત્યુ થયું હોય ત્યારે સ્વાભાવિક રીતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર કાઢવા માટે તલાટી મંત્રી કે પાલિકામાં અરજદારો જતા હોય છે. પરંતુ અમરેલી નગરપાલિકાના જન્મ-મરણ શાખાના એક ક્લાર્કના તુમાખીભર્યા વર્તનથી અમરેલી શહેરમાં જન્મ કે મરણ થવું એ અભિશાપ જેવું બનવા પામ્યું છે. કારણ કે અમરેલીના લોકો જન્મ કે મરણનું પ્રમાણપત્ર કઢાવવા માટે નગરપાલિકામાં જાય ત્યારે ત્યાં બેઠેલા એક કલાર્કના તુમાખીભર્યા વર્તનથી અરજદારો ભારે પરેશાન બન્યા છે. અમરેલી શહેરમાં જન્મ અને મરણનું પ્રમાણપત્ર કઢાવવા માટે જવું એટલે અભિશાપ બનવા જેવું છે. અમરેલી પાલિકામાં બેઠેલા જન્મ-મરણ શાખાના ક્લાર્ક દિપક ગળથીયા અરજદારો સાથે ઉધ્ધતાઈભર્યુ વર્તન અને રાડારાડ કરતા હોવાથી અરજદારો ક્લાર્કના આવા વર્તનથી તોબા પોકારી ઉઠ્યા છે. આ બાબતે અનેકવાર પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ અને પદાધિકારીઓના ચાર હાથ આ તુમાખીભર્યા ક્લાર્કના માથા પર હોવાથી કલાર્કનો વાળ વાંકો થતો નથી. ચૂંટણી સમયે મતદારોના ઘૂંટણીયે પડતા પાલિકા સદસ્યો પણ કલાર્કની સામે ચૂં કે ચા કરતા નથી. દિપક ગળથીયા નામનો ક્લાર્ક ગમે તે અરજદારને પોતાની ફરજ બજાવવાના બદલે ખખડાવતો હોવાનું નજરે પડે છે. અમરેલી પાલિકામાં ભાજપને ખોબલે ખોબલે મત દીધા બાદ ભાજપના રાજમાં કર્મચારીઓનું શાસન ચાલતું હોય તેવું લોકો જણાવી રહ્યા છે. આ બાબતે અરજદારોની મુશ્કેલીને ધ્યાને રાખી ક્લાર્કની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 

કારોબારી ચેરમેનના ઠરાવ બાદ બદલી થઈ શકે: ચીફ ઓફિસર
અમરેલી નગરપાલિકાના જન્મ-મરણ શાખા ક્લાર્ક દિપક ગળથીયાની બદલી બાબતે ચીફ ઓફિસર વિનોદ રાઠોડે જણાવ્યું હતું કે, ક્લાર્કની બદલી માટે કારોબારી ચેરમેનનો ઠરાવ જોઈએ જે ગાંધીનગર મોકલ્યા બાદ ક્લાર્કની બદલી થઈ શકે, કારણ કે રાજય સરકારના આરોગ્ય વિભાગમાંથી જન્મ-મરણના આઈ.ડી અને પાસવર્ડ લોગિન થતા હોય છે. ક્લાર્કના તુમાખીભર્યા વર્તનને કારણે પાલિકાને નીચુ જાવા જેવું થયું છે.

ક્લાર્કની બદલી માટે સરક્યુલર ઠરાવ કરવામાં આવશે ઃ કારોબારી ચેરમેન
અમરેલી પાલિકાના ક્લાર્ક દિપક ગળથીયાના વર્તનને કારણે અધિકારીઓ અને પદાધિકારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે કારોબારી ચેરમેન મનિષ ધરજીયાએ જણાવ્યું હતું કે, દિપક ગળથીયા સામે અરજદારોની વારંવાર રજૂઆત આવે છે. કલાર્ક દિપક ગળથીયાની બદલી માટે સામાન્ય સભાની રાહ જાવામાં નહી આવે પરંતુ સરક્યુલર ઠરાવ કરી આ ઠરાવ ગાંધીનગર મોકલવામાં આવશે તેમ અંતમાં કારોબારી ચેરમેને જણાવ્યું હતું.

પેધી ગયેલા ક્લાર્ક સામે અત્યાર સુધી કેમ કાર્યવાહી ન કરાઈ?
અમરેલી નગરપાલિકાના જન્મ-મરણ શાખાના ક્લાર્ક દિપક વગળથીયા છેલ્લાં ઘણા સમયથી અરજદારો સાથે તુમાખીભર્યુ વર્તન અને અરજદારોને ખખડાવતો હોવાનું સામે આવ્યુ હતું. આ બાબતે અનેકવાર અજરદારોએ જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ મત માંગતી વખતે ઘૂંટણીયે પડતા પદાધિકારીઓએ આ બાબતે કોઈ ધ્યાન આપ્યુ નહોતું જેથી અરજદારો ક્લાર્કના વર્તનનો ભોગ બની રહ્યા છે. અરજદારોની વારંવાર રજૂઆત બાદ પણ ક્લાર્કની સામે કોઈ કાર્યવાહી થતી ન હોવાથી કદાચ અધિકારીઓ કે પદાધિકારીના છુપા આશીર્વાદ હોવાનું અરજદારો જણાવી રહ્યા છે.

બદલી માટે ચીફ ઓફિસર સાથે વાત થઈ છે ઃ પાલિકા પ્રમુખ બીપીન લીંબાણી
અમરેલી નગરપાલિકાના જન્મ-મરણ શાખાના ઉધ્ધત વર્તન કરતા ક્લાર્ક દિપક ગળથીયાના વર્તન બાબતે પાલિકા પ્રમુખ બીપીન લીંબાણીએ જણાવ્યું હતું કે, દિપક ગળથીયા બાબત વારંવાર રજૂઆત આવે છે. તેના વર્તનથી અરજદારો ભારે પરેશાની ભોગવી રહ્યાં છે. આ ક્લાર્કની તાત્કાલિક બદલી થાય તે માટે ચીફ ઓફિસર સાથે વાત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેની બદલી કરવામાં આવશે તેમ અંતમાં પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

ક્લાર્ક સામેની ફરિયાદની માહિતી માંગતા પ્રાદેશિક કમિશનર
અમરેલી જન્મ-મરણ શાખાના ક્લાર્ક દિપક ગળથીયાના ઉધ્ધત વર્તન સામે શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે. આ બાબતે પ્રાદેશિક કમિશનરને પણ ફરિયાદ કરવામાં આવી છે. જેથી આ બાબતે પ્રાદેશિક કમિશનરે
આભાર – નિહારીકા રવિયા ક્લાર્ક સામે ફરિયાદની માહિતી માંગી હતી જેથી ક્લાર્કની સામે કડક કાર્યવાહી થશે તેવી અરજદારો આશા સેવી રહ્યા છે.
આભાર – નિહારીકા રવિયા