અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ ચોક્કસ સમાજ પ્રત્યે બેફામ વાણી વિલાસ કર્યો હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થતા આ ઘટનાની ગંભીરતા સમજી પક્ષને નુકસાન ન થાય તે માટે ચેતન ધાનાણીએ તાલુકા ભાજપ પ્રમુખમાંથી રાજીનામુ આપી દીધુ છે. અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીને મોકલેલા રાજીનામામાં જણાવ્યું છે કે મારા નામથી કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયેલ છે જેના કારણે પાર્ટી ઉપર આક્ષેપો થઈ રહ્યા છે અને મારા દ્વારા પાર્ટીને નુકસાન ન થાય તે કારણોસર નૈતિકતાના ધોરણે હું તાલુકા ભાજપ પ્રમુખ અમરેલીના મારા પ્રમુખ પદ ઉપરથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું. કાર્યકર્તા તરીકે હું હંમેશા પાર્ટીના હિત માટે તન મનથી કામ કરતો રહીશ તેમ અંતમાં ચેતન ધાનાણીએ જણાવ્યું હતું.










































