ભાજપનાં જ પૂર્વ હોદ્દેદારો દ્વારા ભાજપને બદનામ કરવાનું કાવતરું રચતા ખળભળાટ

પોલીસ તપાસમાં હજુ વધુ આરોપી પકડાવાની શક્યતા

અમરેલી તાલુકા પંચાયતનાં પ્રમુખનાં લેટરપેડ દૂરપયોગ બાબતે અમરેલી એલસીબીએ ગણતરીની કલાકોમાં જ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અમરેલી પોલીસે ફરીયાદનાં આધારે જુદી જુદી ટેકનિકલ ટીમ બનાવી આ મુદ્દે તપાસ હાથ ધરી હતી. અને ગણતરીની કલાકોમાં જ આરોપી મનિષ વઘાસીયાને ઝડપી પાડયો હતો. અમરેલી ભાજપ શાસિત તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરીયાના નકલી લેટરપેડ બનાવી અને નકલી સહીઓ કરી તથા સ્ટેમ્પ બનાવી ધારાસભ્ય કૌશિક વેકરીયાની કારકિર્દીને નુકશાન પહોંચાડવા માટે ભાજપનાં જ પૂર્વ હોદ્દેદારો દ્વારા પત્ર લખી વાયરલ કરવામાં આવતા ભાજપ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. આ બાબતની જાણ ગઈકાલે તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરીયાને થતાં તેઓએ મીડીયા સમક્ષ રજૂઆત કરતા આ સહી, લેટરપેડ અને સ્ટેપ ખોટા બનાવ્યા હોવાના અને દુરપયોગ કર્યા હોવાના પુરાવા આપ્યા હતા અને કહ્યું હતું કે મારા નામ અને હોદ્દાનો ઉપયોગ કરીને કૌશિકભાઈ વેકરીયાને બદનામ કરવા માટે કાવતરું રચાયું છે. આ બાબતે પોલીસને તપાસ કરવા પણ જણાવ્યું હતું. જેની તપાસ કરવામાં આવતા ગણતરીની કલાકોમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડયા છે. જેમાં મનિષ વઘાસીયાએ નકલી લેટર અન્ય આરોપીઓને સોશ્યલ મીડીયાનાં માધ્યમથી મોકલ્યા હતા. જેમાં અન્ય આરોપીઓએ આ પત્ર વાયરલ કર્યો હતો. આ ઘટનામાં ખોટા લેટરપેડ બનાવનાર અમરેલી તાલુકા પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનિષ વઘાસીયા રહે. અમરેલી, જશવંતગઢનાં સરપંચ અશોક માંગરોળીયા રહે. જશવંતગઢ, પાયલ અશ્વિનભાઈ ગોટી રહે.વિઠ્ઠલપુર(ખંભાળીયા), જીતુ ખાત્રા રહે.જશવંતગઢને ઝડપી પાડી પોલીસે આમા વધુ કોણ સંડોવાયેલા છે તે સહિત તપાસ હાથ ધરી છે.

વધુ તપાસ માટે આરોપીનાં રીમાન્ડ મંગાશે: એસ.પી. ખરાત
નકલી લેટરપેડ મુદ્દે પત્રકારો સાથે વાત કરતાં એસ.પી.સંજય ખરાતે જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી અને ટેકનિકલ સોર્સનાં આધારે ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અને આ ઘટનામાં કોણ કોણ સંડોવાયું છે ? તેની તપાસ માટે આરોપીનાં કોર્ટમાંથી રીમાન્ડ મંગાશે. અને સંડોવાયેલા અન્ય લોકોની પણ ધરપકડ કરાશે, આરોપીનાં રીમાન્ડ દરમિયાન લેટરપેડ, સહી, સિક્કા કયાં બનાવ્યાં હતા તેની પણ તપાસ કરાશે.