સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો આજે છેલ્લો દિવસ હોવાથી ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો ધસારો જોવા મળી રહ્યો છે. ગત તા.૬થી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. અને આજે તા.૧૧ના રોજ ચૂંટણી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે અમરેલી જિલ્લામાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. ચૂંટણી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે નગરપાલિકામાં એક પણ ફોર્મ ભરાયુ નહોતુ જયારે તાલુકા પંચાયતમાં ૩ ફોર્મ ભરાયા હતા અને જિલ્લા પંચાયતમાં બે ફોર્મ ભરાયા હતા. જેમ જેમ દાવેદારો ચૂંટણી લડવા માટે તૈયાર થતા ગયા તેમ-તેમ ઉમેદવારોનો ધસારો જોવા મળી રહ્યો છે. તા.૧૦ના રોજ નગરપાલિકા માટે કોંગ્રેસમાંથી પ૬, તાલુકા પંચાયતમાં ૧૦૭ અને જિલ્લા પંચાયતમાં રર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તો આપ દ્વારા નગરપાલિકામાં ૪૦, તાલુકા પંચાયતમાં ૧ર૬ અને જિલ્લા પંચાયતમાં ૩ર ફોર્મ ભરાયા છે. જયારે ભાજપમાંથી એકપણ ફોર્મ હજુ સુધી ભરવામાં આવ્યું નથી. તા.૧૦ સુધીની ફોર્મ ભરનાર કુલ સંખ્યા જોઈએ તો નગરપાલિકામાં ૯૭,તાલુકા પંચાયતમાં રપ૭ અને જિલ્લા પંચાયતમાં ૩ર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જો કે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય જેથી ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટશે તેમ રાજકિય સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.