અમરેલી જિલ્લા પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા આયોજીત જાગૃતિ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. શહેરના સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલા સમારોહમાં અમરેલી શહેરની વિવિધ ૧૨ શાળાના અંદાજિત ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લીધા હતા. કાર્યક્રમમાં અકસ્માત નિવારવાના ઉપાય તેમજ ટ્રાફિકના વિવિધ નિયમો અંગે આર.ટી.ઓના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટર અજય દહીયાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ટ્રાફિક અને માર્ગ સલામતીની સમીક્ષા કરવા માટે માર્ગ સુરક્ષા સમિતિ કાર્યાન્વિત છે. આ સમિતિ જિલ્લામાં થતા અકસ્માતોની સંખ્યા તેમજ સ્થળોની સમીક્ષા કરે છે તેના આધારે સાઇનેજ, ક્રેશ બેરિયર, એન્જિનિયરીંગ સહિતના મુદ્દે પગલાઓ ભરે છે. અમરેલીમાં સૌના સહિયારા પ્રયાસોથી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં માર્ગ અકસ્માત અને તેમાં થતા મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ પ્રસંગે માર્ગ સુરક્ષા અંગે અસરકારક કામગીરી કરવા બદલ જિલ્લા કલેક્ટરે સમિતિની કામગીરીને બિરદાવતા અભિનંદન પાઠવ્યાં હતા. વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો સંદેશો આપ્યો હતો.કાર્યક્રમના પ્રારંભે એ.આર.ટી.ઓ. પંકજ
પઢિયારે ટ્રાફિકના નિયમોની
જાગૃતિ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, માર્ગની મર્યાદાથી વધુ ઝડપે વાહન હંકારવાથી, વાહન ચલાવતા સમયે મોબાઈલ ઉપકરણોના ઉપયોગથી, બે વાહન વચ્ચે સલામત અંતર ન જાળવવાથી, રેડલાઈટના નિયમોનો ભંગ કરવાથી, ઉપરાંત નશો કરીને વાહન હંકારવાથી મોટાભાગે અકસ્માત થાય છે. આ ઉપરાંત વાહન હંકારતી વેળાએ આવેશમાં આવીને વધુ ઝડપે વાહન હંકારવાથી પણ અક્સ્માત થતા હોય છે. વિદ્યાર્થીઓ જ્યારે લાઈસન્સ મેળવી અને વાહનચાલક બને ત્યારે તેમણે આ અંગેની પૂરતી તકેદારીઓ રાખવી જોઈએ. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ દ્વારા ઉપસ્થિત અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.