અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદે આજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્રમાં બાબરા તાલુકાના પત્રકાર ગોરધનભાઈ દાફડા સાથે તાલુકા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલા કથિત અશિસ્ત અને અસભ્ય વર્તન સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. પરિષદના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ગત તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાયેલી સંકલન સમિતિની બેઠક દરમિયાન બાબરા તાલુકા મેજિસ્ટ્રેટે ગોરધનભાઈ દાફડા સાથે અશોભનીય વર્તન કર્યું હતું. તેમણે જાહેરમાં પત્રકારને અપમાનિત કરી ‘ગેટ આઉટ’ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ‘પત્રકાર એ દેશની ચોથી જાગીર છે. જો પત્રકાર સાથે જ આવું વર્તન થશે તો સામાન્ય અરજદારોનું શું થશે?’ પરિષદે માંગ કરી છે કે સામાન્ય વહીવટ વિભાગની સેવા વર્તણૂકની નિયત જોગવાઈ હેઠળ સંબંધિત અધિકારી સામે શિક્ષાત્મક પગલાં લેવાની જરૂર છે.