અમરેલી જિલ્લા પંચાયત ખાતે ‘રક્તદાન મહાદાન’ અંતર્ગત એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન સાથેના તણાવપૂર્ણ માહોલમાં દેશના જવાનો માટે રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ કેમ્પ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદ ભરતભાઈ સુતરિયા અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કેમ્પમાં ૧૧૫ યુનિટ બ્લડ એકત્રિત થયું હતું. જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા સહિત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. સારહી યુથ ક્લબ, લાયન્સ ક્લબ રોયલ, રોટરી ક્લબ જેવી વિવિધ સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજિત આ કેમ્પને અધિકારીઓ, કર્મચારીઓ અને રક્તદાતાઓએ સફળ બનાવ્યો હતો.