અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને લોકસભાની સામાન્ય ચૂંટણીના મતદાન પૂર્વે ટેલિકોમ ઓપરેટર્સ સાથે બેઠક યોજવામાં આવી હતી. અમરેલી કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ, ટેલિકોમ કંપનીના પ્રતિનિધિઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકાઓ અને અનુસરવાના નિયમો અંગેની વિગતો આપી હતી. અમરેલી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠકમાં ઉપસ્થિત વિવિધ ટેલિકોમ કંપનીઓના પ્રતિનિધિઓને ચૂંટણી પંચના નિયમો અને માર્ગદર્શિકાઓ તેમજ નિયત પત્રકો સહિતની બાબતો વિશે જણાવ્યુ હતું. આગોતરી મંજૂરી મેળવવાની હોય તે બાબત માટે જરુરી માર્ગદર્શિકાઓની નકલ પણ ટેલિકોમ કંપનીઓના પ્રતિનિધિઓને આપવામાં આવી હતી. બેઠકમાં એમ.સી.એમ.સી. સમિતિના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક, ચૂંટણી શાખા મામલતદાર, ચૂંટણી શાખા અને જિલ્લા ચૂંટણી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.