બગસરા તાલુકામાં થયેલ ભારે વરસાદથી ખેતી પાકોને થયેલ નુકસાનના સર્વે અને સહાય માટે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું છે. ગત ૨૪ જુલાઈએ બગસરા તાલુકામાં પડેલ અતિ ભારે વરસાદને કારણે મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોને મોટું નુકસાન થયું છે. સતત પાણી ભરાઈ રહેવાથી મોટાભાગનો પાક પીળો પડી ગયો છે અથવા બળી ગયો છે, જેના કારણે ખેડૂતોને ફરીથી વાવણી કરવાની ફરજ પડી છે. અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રતિનિધિઓએ મામલતદારને આપેલા આવેદનમાં નુકસાન પામેલા ખેતરોનો સર્વે કરી પાંચથી સાત દિવસમાં વળતર ચૂકવવાની માગણી કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ બાબતે કાર્યવાહીમાં વિલંબ થશે તો તેઓ આંદોલન કરવા મજબૂર થશે.