અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન રોડ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે રોડ એન્જિનિયરિંગને લગતા વિવિધ પાસાઓ જેવા કે સ્પીડ લિમિટનું નિર્ધારણ, યોગ્ય સાઇનેઝ બોર્ડ લગાવવા, રસ્તા પર નડતરરૂપ વૃક્ષોનું સમયસર ટ્રીમિંગ કરવું તેમજ સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રિપ, શેવરોન બોર્ડ અને કેટ આઈઝનો અસરકારક ઉપયોગ કરવા બાબતે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. એસ.ટી. વિભાગ દ્વારા ડ્રાઈવરો અને કંડક્ટરો માટે માર્ગ સલામતીના કાયદાઓની જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેની વિગતો સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી. કલેક્ટરે વાહનચાલકોની સુરક્ષા માટે હેલ્મેટ, સીટબેલ્ટ અને ઓવર સ્પીડિંગ જેવા નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા અને કાયદાકીય અમલીકરણ સતત રાખવા સૂચના આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલ, આસિસ્ટન્ટ કલેક્ટર અતુલ સિંઘ, નાયબ પોલીસ અધિક્ષક એ.જી. ગોહિલ અને અન્ય વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.







































