અમરેલી જિલ્લામાં યોજાયેલા નેશનલ સાયન્સ સેમિનારના ભાગરૂપે, જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાના સંશોધન પેપર અને પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. આ સ્પર્ધામાં જે.બી.એસ.ટી. ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, બાબરાની સાનિયા ગંગાણીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, પાટીના રાહુલ વાઘે દ્વિતીય સ્થાન અને સરસ્વતી વિદ્યામંદિર, અમરેલીના રાવળ ભવ્યએ તૃતીય સ્થાન મેળવ્યું છે. પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા બનેલા સાનિયા ગંગાણી અને રાહુલ વાઘ હવે ગુજકોસ્ટ, ડી.એસ.ટી. અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા યોજાનાર રાજ્ય કક્ષાના નેશનલ સાયન્સ સેમિનારમાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ કાર્યક્રમમાં વિષય નિષ્ણાત તરીકે ડા. એમ.કે. ગોંડલીયા, ડા. વી.એન. પટોળીયા અને કે.પી. પંડ્યાએ સેવાઓ આપી હતી. આ ઉપરાંત, બાલભવન, અમરેલીના ડાયરેક્ટર નિલેશ કે. પાઠક, ડેપ્યુટી ડાયરેક્ટર દિશેનભાઈ ત્રિવેદી સહિત સંસ્થાના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.









































