સમગ્ર રાજ્યમાં વ્યાપક વસ્તી ધરાવતા આહિર સમાજના સુધાર અને સન્માન માટે, અમરેલી જિલ્લા યુવા આહિર સમાજ દ્વારા કડવા પટેલ સમાજવાડી ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના શિક્ષણ, રમતગમત અને સામાજિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા યુવાનોને શિલ્ડ, પ્રમાણપત્ર અને પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બે યુવાનો જેઓ બીએસએફમાં સામેલ થયા અને તાલીમ પૂર્ણ કરી પરત ફર્યા તેમનું પણ શાલ ઓઢાડીને અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બે મહત્વપૂર્ણ નવા સંકલ્પો પણ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ જિલ્લાના ૫૦૦ આસપાસના સરકારી કર્મચારીઓને એકઠા કરી તેમના હક-અધિકાર અને સુખાકારી માટે કામ કરવા માટે આ મંડળની રચના કરવામાં આવી હતી. બીજો સંકલ્પ સમૂહ લગ્નોત્સવનો હતો જેમાં લગ્નોમાં થતાં ખોટા ખર્ચને ઘટાડવા માટે આગામી સમયમાં સમૂહલગ્નોનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના આહિર સમાજના આગેવાનો, જીએસટી અધિકારી ગીતાબેન જીંજાળા, જિલ્લા હિસાબનીશ અધિકારી વિક્રમભાઈ ખૂંગલા, કર્મચારી મંડળ રાજકોટ ટીમ, પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર, જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન લાલાભાઈ મોર, જિલ્લા પંચાયત સદસ્ય પ્રભાતભાઈ કોઠીવાળ, વનરાજભાઈ કોઠીવાળ, યુવા પ્રમુખ કમલેશભાઈ ગરણિયા સહિત રાજકીય અને સામાજિક આગેવાનો, કર્મચારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.