અમરેલી જિલ્લા આહિર કર્મયોગી મંડળનું પ્રથમ સ્નેહમિલન ધારીના ગઢીયા (ચાવંડ) ગામે આવેલા રુદ્રાક્ષ ફાર્મ હાઉસ ખાતે યોજાયું હતું. માત્ર ત્રણ મહિના પહેલા સ્થાપિત થયેલા આ સંગઠનમાં અત્યાર સુધીમાં ચારસોથી વધુ કર્મચારીઓ જોડાયા છે. આ દરમિયાન નવરાત્રીના તહેવાર સાથે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે જ મંડળના હોદ્દેદારો અને સમાજના અધિકારીઓનું સન્માન, કર્મચારી શરાફી મંડળી બનાવવા અંગે ચર્ચા, તેજસ્વી તારલાઓના સન્માન અને સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોના આયોજન અંગે વિચારણા અને દ્વારકાધીશના મંદિરે ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે વનરાજભાઈ કોઠીવાળ (અમરેલી જિલ્લા આહિર સમાજના ઉપ પ્રમુખ), કમલેશભાઈ ગરણિયા (અમરેલી જિલ્લા યુવા આહિર સમાજના પ્રમુખ), કુલદીપભાઈ ભમ્મર (એઇમ્સ હોસ્પિટલના ટ્રસ્ટી), રાકેશભાઈ ગરણિયા (રુદ્રાક્ષ ફાર્મ હાઉસના માલિક), ભરતભાઈ ડેર (અમરેલી જિલ્લા આહિર કર્મયોગી મંડળના પ્રમુખ) હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વર્ગ એકથી ચારના કર્મચારીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
પ્રકૃતિમય વાતાવરણમાં સંગઠિત અને શિક્ષિત સમાજની દિશામાં આગળ વધવાના લક્ષ્ય સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.