સાવજ પર સંકટ! રાજ્યમાં એક વર્ષમાં ૧૬૬ સિંહના મોત
રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સિંહના મોતની સંખ્યામાં વધારો
૧૫મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રના ત્રીજા અને અંતિમ દિવસે સિંહના મોતનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે જુલાઇ ૨૦૨૫ સુધીમાં અમરેલી જિલ્લામાં છેલ્લા ૬ મહિનામાં ૧૪ સિંહબાળ અને ૧૭ સિંહના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં મલ્ટિપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે ૫ સિંહબાળ અને ૬ સિંહના મોત થયા હતા. ન્યુમોનિયા એનીમિયા, એનોકસિયાના કારણે ૫ સિંહબાળના મૃત્યુ તેમજ ન્યુમોનિયા એનીમિયા, એનોકસિયા અને સેપ્ટેસિમિયાનાં કારણે ૪ સિંહના મોત થયા હતા. શ્વસન, યકૃત અને મૂત્રપિંડની નિષ્ફળતાના કારણે ૨ સિંહબાળ અને ૪ સિંહના મૃત્યુ થયા હતા. કરોડરજ્જુમાં ઇજા પહોંચતા આઘાતથી તેમજ એનાપ્લાસમોસિસના કારણે ૧-૧ સિંહબાળનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, વિમલ ચુડાસમા તેમજ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં કુલ ૧૬૬ સિંહના મોત થયા છે. સરકારે ખુદ સ્વીકાર્યું હતું કે ઓગષ્ટ ૨૦૨૩થી જુલાઇ ૨૦૨૪ સુધીમાં ૧૪૧ મોત થયા હતા. જ્યારે ઓગષ્ટ ૨૦૨૪થી જુલાઇ ૨૦૨૫ સુધીમાં આ મોતનો આંકડો ૧૬૬ સુધી પહોંચી ગયો હતો, ગયા વર્ષની સરખામણીએ ૨૫ સિંહના મોત વધારે છે.
છેલ્લા એક વર્ષમાં ૮૧ સિંહના મૃત્યુ બીમારીને કારણે થયા હતા. આંતરિક લડાઈને કારણે ૩૬ સિંહના મોત, વૃદ્ધાવસ્થા-કુદરતી રીતે ૨૭ સિંહના મોત, માર્ગ અકસ્માતને કારણે ૧ સિંહનું મૃત્યુ, ઇલેક્ટ્રિક શોકને કારણે ૨ સિંહના મૃત્યુ, અકસ્માતે કૂવામાં પડી જવાથી ૧૩ સિંહના
મૃત્યુ જ્યારે અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી ૬ સિંહના મૃત્યુ થયા હતા. આમ એક વર્ષમાં ૧૬૬ સિંહના મૃત્યુ થયા હતા, જેમાંથી ૨૨ સિંહના અકસ્માતે મૃત્યુ થયા હતા.
સરકારે જણાવ્યું હતું કે સિંહના કુદરતી મૃત્યુના કિસ્સામાં તકેદારીના ભાગરૂપે સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાં બાબતે છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. ૩૭૩૫.૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઓગષ્ટ ૨૦૨૩થી જુલાઇ ૨૦૨૪ સુધીમાં સરકારે રૂ. ૨૦૩૫.૨૯ અને ઓગષ્ટ ૨૦૨૪થી જુલાઇ ૨૦૨૫ સુધીમાં રૂ. ૧૭૦૦.૩૧નો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
બે વર્ષની તુલના
વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ, તા.૦૧-૦૮-૨૦૨૩ થી તા.૩૧-૦૭-૨૦૨૪ સુધીમાં બીમારીથી ૬૦ સિંહ મોતને ભેટ્યા હતા, જે સંખ્યા તા.૦૧-૦૮-૨૦૨૪ થી તા.૩૧-૦૭-૨૦૨૫ સુધીમાં ૮૧ થઈ હતી. આ સિવાય ગત વર્ષે વિવિધ કારણોસર ૧૪૧ સિંહના મોત થયા હતા. જેની સામે ચાલુ વર્ષે ૧૬૬ સિંહના મોત થયા હતા.
સિંહના કુદરતી અને અકસ્માતે મોતની સંખ્યા પણ વધી
વિધાનસભામાં આપવામાં આવેલા આંકડા મુજબ, તા.૦૧-૦૮-૨૦૨૩થી તા.૩૧-૦૭-૨૦૨૪ સુધી ૧૨૪ સિંહના કુદરતી અને ૧૭ સિંહના અકસ્માતે મોત થયા હતા. જ્યારે તા.૦૧-૦૮-૨૦૨૪ થી તા.૩૧-૦૭-૨૦૨૫માં સિંહના કુદરતી મોતની સંખ્યા ૧૪૪ અને ૨૨ સિંહના અકસ્માતે મોત થયા હતા.
અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યા રાજ્યમાં સૌથી વધુ
તાજેતરમાં જ વન વિભાગ દ્વારા એશિયાઈ સિંહોના ૧૬મા વસ્તી અંદાજ-૨૦૨૫ના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સિંહની સંખ્યા ૮૯૧ નોંધાઈ હતી. અમરેલીમાં ૩૩૯, ગીર સોમનાથમાં ૨૨૨, જૂનાગઢમાં ૧૯૧, ભાવનગરમાં ૧૧૬, પોરબંદરમાં ૧૬, રાજકોટમાં ૬ અને દેવભૂમિ-દ્વારકામાં ૧ સિંહ નોંધાયા હતા.









































