રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટાચૂંટણી ૨૦૨૫નો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટાચૂંટણી ૨૦૨૫ અંતર્ગત અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૨ જૂન, ૨૦૨૫ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટાચૂંટણીઓ માટે મતદાન યોજાશે, આ ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.૨૫ જૂન, ૨૦૨૫ના રોજ મતગણતરી થશે. આ ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત, અમરેલી જિલ્લામાં ૩૦૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે જે પૈકી ૧૦૪ સામાન્ય, ૦૬ વિભાજન, ૦૪ વિસર્જન, ૧૬ સરપંચ, ૨૫૧ વોર્ડ પેટા અને ૧૯૩ ગ્રામ પંચાયતોમાં પેટાચૂંટણી પ્રક્રિયા યોજાશે. આ ચૂંટણી પ્રક્રિયા માટેનું જાહેરનામુ તા.૦૨ જૂન, ૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રકો ભરવાની અંતિમ તારીખ ૦૯ જૂન, ૨૦૨૫ છે જ્યારે ઉમેદવારી પત્રકોની ચકાસણી તા.૧૦ જૂન, ૨૦૨૫ થશે અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ તા. ૧૧ જૂન, ૨૦૨૫ છે. તા.૨૨ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૭.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી બેલેટ પેપરથી મતદાન થશે.