સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાની ૧૭ શાળાઓને ‘સક્ષમ શાળા’ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્યક્ષ રમીલાબેન ધોરાજીયાની અધ્યક્ષતામાં જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ખાતે યોજાયેલા સમારોહમાં સ્વચ્છતા, હરિત, સલામતી, પાણી, આરોગ્ય રક્ષણ સહિત ૧૨ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારી શાળાઓને પુરસ્કૃત કરવામાં આવી. ગ્રામીણ કક્ષાએ પ્રથમ ક્રમે બગસરાની પી.એમ. શ્રી હળિયાદ જૂની પે સેન્ટર શાળા, દ્વિતીય ક્રમે અમરેલી તાલુકાની વડેરા પ્રાથમિક શાળા અને તૃતીય ક્રમે લાઠીની આસોદર પે સેન્ટર શાળાને સન્માન મળ્યું. શહેરી કક્ષાએ લાઠીની દામનગર પે સેન્ટર શાળા નં.૦૨, જાફરાબાદની મોડેલ શાળા અને સાવરકુંડલાની નિવાસી આશ્રમ શાળા પ્રથમ ક્રમે રહી. જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત શાળાઓને રૂ.૩૧,૦૦૦, દ્વિતીયને રૂ.૨૧,૦૦૦ અને તૃતીયને રૂ.૧૧,૦૦૦ પુરસ્કાર આપ્યા, જ્યારે તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે આવેલી ૧૦ શાળાઓને રૂ.૧૧,૦૦૦ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.





































