અમરેલી જિલ્લામાં છેલ્લાં બે દિવસથી ભારે ગરમી પડી રહી હતી. ગરમીને કારણે જિલ્લાવાસીઓ અકળાયા હતા. જા કે ગરમી બાદ બુધવારે અમરેલી શહેરમાં ગત મોડી રાત્રે એકાએક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો, અને શહેરના અમુક વિસ્તારમાં વરસાદના અમીછાંટાણા પડ્‌યા હતા જ્યારે બાકીના વિસ્તારો કોરા ધાકડ રહ્યા હતા, જેના લીધે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્‌યો હતો અને આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા પ્રોફેશનલ ગરબા આયોજકોમાં ચિંતા પ્રસરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલીમાં સાતમા નોરતે એકાએક ભારે પવન ફૂંકાયો હતો અને અમુક વિસ્તારમાં હળવા છાંટા પણ પડ્‌યા હતા જેના લીધે અનેક નાના-મોટા ગરબાઓ થઈ રહ્યા હતા ત્યાં ડીજે બંધ થઈ ગયા હતા જેના કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્‌યો હતો, અને ગુરૂવારે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું હતું. હવે નોરતાને આજે માત્ર એક દિવસ બાકી છે અને ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી રહ્યા છે, ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા પ્રોફેશનલ ગરબાના આયોજકોનાં જીવ તાળવે ચોટયા છે, વરસાદની શક્યતા હોય નાના મોટા શેરી ગરબાના ખેલૈયાઓ તથા પ્રોફેશનલ આયોજકોમાં ચિંતા પ્રસરી છે. બગસરા, ધારી, સાવરકુંડલા સહિતના તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડતા ઠંડક પ્રસરી ગઈ હતી.