અમરેલી સહિત જિલ્લામાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. હજારો ભાવિકોએ લાંબી કતારમાં ઊભા રહીને દર્શનનો લાભ લીધો હતો. શનિવાર અને હનુમાન જયંતીનો વિશેષ સંયોગ હોવાથી ભક્તોનો ઉત્સાહ બમણો થયો હતો. શહેરના હનુમાન મંદિર સહિતના સ્થળોએ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. દરેક મંદિરમાં વિશિષ્ટ આરતી, બટુક ભોજન, દીપમાળા અને અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું. ભક્તો તેલ, અડદ અને આંકડાની માળા સાથે દર્શને ઉમટી પડ્યા હતા. કેળા, લાડુ અને પેંડા જેવો પ્રસાદ ધરાવી પૂજા-અર્ચના કરી હતી. સાંજે મહાઆરતી, બટુકભોજન અને મહાપ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર અમરેલી જિલ્લામાંં હનુમાન જયંતીની આસ્થાપૂર્વક ઉજવણી થઈ હતી. લાઠી તાલુકામાં આવેલા ભુરખીયા હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. મંદિરમાં ભજન-કીર્તન સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રાત્રિ દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પદયાત્રા કરીને ભુરખીયા દાદાના દર્શન કર્યા હતા. પદયાત્રીઓની સુવિધા માટે સામાજિક અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓએ માર્ગ પર અનેક સ્થળોએ પાણી, છાશ, શરબત અને ચા-નાસ્તાના સ્ટોલ ઊભા કર્યા હતા. આ વ્યવસ્થાથી પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તેની કાળજી રાખવામાં આવી હતી. રાત્રિ દરમિયાન વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયા સહિતના રાજકીય નેતાઓએ પણ શ્રદ્ધાળુઓ વચ્ચે ફરીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સાંસદ ભરતભાઈ સુતરીયાએ વિવિધ સ્ટોલ પર જઈ પદયાત્રીઓને પાણી વિતરણમાં સહયોગ આપ્યો હતો. આ વર્ષે પણ પરંપરા મુજબ રાત્રિના સમયે વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પદયાત્રા કરી. રાજ્ય અને દેશભરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી અંતર્ગત પ્રસિદ્ધ હનુમાન મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.