અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, આ જાહેરનામું તા.૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી અમલી રહેશે. જાહેરનામા મુજબ, જિલ્લામાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ કે ઇજા પહોંચાડવામાં ઉપયોગી હોય તેવી ચીજવસ્તુ, નીતિનો ભંગ થતો હોય તેવા કે રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણ આપવા કે ચાળા પાડવા, નકલ કરવી, ચિત્રો, નિશાનીઓ દેખાડવા કે ફેલાવવા નહિ. કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ છે. સભા-સરઘસ હથિયારબંધી રહેશે. જિલ્લામાં સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી કે પરવાનગી સિવાય કોઈ સભા મંડળી ભરવાની અથવા સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી-પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. ફરજ પર રોકાયેલા હોય તેવા પોલીસ જવાનો તથા હોમગાર્ડ સહિતના તમામ સરકારી અને અર્ધ સરકારી અધિકારી-કર્મચારીને કે શારીરિક અશક્ત વ્યક્તિઓને, વરઘોડા કે સ્મશાન યાત્રાને આ હુકમ લાગુ પડશે નહીં.









































