અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ ૫ અને ૬ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ યોજાઈ હતી, જેમાં તાલુકા કક્ષાના બ્લોક કો-ઓર્ડિનેટર, કલસ્ટર કો-ઓર્ડિનેટર અને સિવિલ એન્જીનીયરોએ ભાગ લીધો હતો. રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાન, અમદાવાદના માસ્ટર ટ્રેનર હાજાભાઈ કાળોતરા અને મીનાક્ષીબેન મહેતાએ તાલીમ આપી હતી. એન.આઈ.આર.ડી. સ્ટેટ કન્સલ્ટન્ટ હરેશકુમાર ખડોદરાએ તાલીમનું મોનિટરિંગ કર્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અમરેલીના નિયામક કે.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ, જિલ્લા કો-ઓર્ડિનેટર પી.આર. વાઢેર અને એસબીએમ-જીની સમગ્ર ટીમે તાલીમનું સંચાલન કર્યું હતું. તાલીમમાં ગ્રામીણ સ્તરે સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે
જાગૃતિ લાવવા, તેમજ ઘન અને પ્રવાહી કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે લોકોને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, યોજનાના વિવિધ ઘટકો અને પ્રચાર-પ્રસારની નવીનતમ પદ્ધતિઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.