અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પા અને મસાજ પાર્લરના સંચાલકો માટે નવા નિયમો સાથેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું તા. ૦૮ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી અમલી રહેશે. તમામ સ્પા અને મસાજ પાર્લરના માલિકો/સંચાલકોએ તેમની અને કર્મચારીઓની સંપૂર્ણ વિગતો (નામ, સરનામું, મોબાઈલ નંબર, ફોટોગ્રાફ્‌સ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ) સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરજિયાતપણે જમા કરાવવી પડશે. આ ઉપરાંત, રિસેપ્શન અને કોમન એરિયામાં ૩૦ દિવસનું રેકોર્ડિંગ સચવાય તેવા સી.સી.ટી.વી. કેમેરા રાખવા અને ગ્રાહકોના આઈ.ડી. પ્રૂફ સાથે રજિસ્ટર નિભાવવું પણ ફરજિયાત છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.