અમરેલીમાં વનવિભાગ અને રેલવે વિભાગે સિંહોના થતા અકસ્માત અને મોતને અટકાવવા ટેક્નોલોજી બાદ ૪૫ જેટલા રેલવે સેવક અને ટ્રેકર્સને ૨૪ કલાક માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ રેલવે સેવકો ટ્રેન આવવાના ૧૫ મિનિટ પહેલા જ એલર્ટ થઈ જાય છે અને ટ્રેક પર ચેકિંગ કરી વન્યપ્રાણીઓને ટ્રેકથી દૂર કરી દે છે. રાજુલા-પીપાવાવની આસપાસ પણ મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરી રહ્યાં છે. દરિયાઈ કિનારે પણ સિંહોએ પોતાના રહેઠાણ બનાવ્યા છે પરિણામે તેમના મોત થતા હોય છે. જેથી હાઈકોર્ટે સરકારને ખખડાવતા તંત્ર હાલ સફાળું જાગ્યું છે.
તંત્રએ રાજુલા, પીપાવાવ પોર્ટ, સાવરકુંડલા સહિતના વિસ્તારમાં અત્યાર સુધીમાં ટ્રેન અડફેટે ૧૮ સિંહોના મોત નિપજ્યા બાદ રેલવે સેવકોને તૈનાત કર્યા છે. તંત્રએ હમણાં વનવિભાગના ટ્રેકરથી લઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કક્ષાના અધિકારીઓને રેલવે ટ્રેક પર સિંહોના થતા અકસ્માત અટકાવવા એલર્ટ કર્યા છે. રેલવે ટ્રેક આસપાસ ૧૨ વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. ટ્રેક નજીક ૪૫ સેવકોને સિંહોની સુરક્ષા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.